તમે પોતાને પ્રેમ (Prem, Love) કેવી રીતે કરી શકો, અને તમને કેવો પ્રેમ જોઈએ છે એ તમને બે સ્થિતિમાં ખબર પડી શકે.
(૧) જ્યારે કોઈ તમને પ્રેમ કરીને સતત દુઃખી કરે, અને છેલ્લે છોડી દે. (રિજેક્શન)
(2) જ્યારે કોઈ તમને પ્રેમ (Prem) કરે, એની સાથે તમે લગ્ન કરો અને પછી નાના મોટા એવા બનાવો બને જેમાં તમારું હૃદય કંપી ઉઠે, અને દુઃખી થાઓ.
કંઈ પણ કર્યા વિના, અને થયા વિના પોતાને અને બીજાને કેવી રીતે પ્રેમ કરવો એ જાણવાની કોશિશ એક હોર્મોનલ પ્રક્રિયા છે, સારી રીતે કહું તો ફિલોસોફી છે, કલ્પના છે અને અંદાજિત અપેક્ષા છે. વાસ્તવિક અંદાજ તો તમે કૂવામાં પડો તો જ ખબર પડે કે તમારી ક્ષમતા કેટલી છે, કમજોરી શુ છે, અને એને કઈ રીતે કામજોરીને સાક્ષમતામાં વીકસાવી શકાય.
ચોકલેટ કેક નામ એક જ છે, પણ એને બનાવવાની પ્રક્રિયા અને બન્યા પછીનો એનો સ્વાદ અલગ હોઈ શકે. તમને કયો સ્વાદ પસંદ પડશે, એ નક્કી કરવા માટે તમારે એ કેક ચાખવી પડશે, અને ત્યારબાદ તમે જાણી શકશો કે તમને કેટલો કડવો અને મીઠો સ્વાદ ભાવે છે. આમ, પ્રેમમાં અનુભવનું મહત્વ એટલુ જ છે.
પ્રેમમાં જ્યારે તમારી લાગણી દુભાય છે ત્યારે તમને તમારી જરૂરતનો અહેસાસ થાય છે, અને થોડા સમય બાદ મેચ્યોર્ડ થયા પછી, તમે જેને પ્રેમ કરો છો એની જરૂરતોને પણ સમજતા થાઓ છો, અને એકબીજાને ગમતા રહેવાની, સમજતા રહેવાની અને સાથે રહેવાની આ ઘટના જ પ્રેમ છે. આપણે પથ્થર નથી, એ વાતનો અહેસાસ પ્રેમ આપણને કરાવતો રહે છે.
આપણને કોઈ દિવસ સંપૂર્ણ પ્રેમ મળી શકે નહીં. આપણે કોઈ ને પણ સંપૂર્ણ પ્રેમ કરી શકીએ નહીં. છેલ્લે કચાશ અથવા કંઈક અધૂરું રહી જ જાય છે. પરંતુ, આપણે સંપૂર્ણ પ્રયત્નો કરી શકીએ છીએ. પ્રેમમાં પરિણામ નહીં પરંતુ ઈરાદા, વિશ્વાસ અને ઈમાનદારીનું મહત્વ છે. બધા જ એ કરી શકે છે, પરંતુ વ્યક્તિમાં સ્વાર્થ નું પ્રમાણ જેમ વધે છે એમ, શુદ્ધ પ્રેમ ઘટે છે.
પ્રેમમાં તમને જોઈએ છે એ નહીં મળે, એનો અર્થ એવો થાય છે કે તમારી અપેક્ષા અપૂર્ણ રહી ગઈ. પ્રેમમાં અપેક્ષા રાખવી એ જ દુઃખનું મૂળ કારણ છે. પ્રેમ એ તમારી આત્માના પોષણ અને સંવર્ધનનું કુદરતી સાધન છે, એને કુત્રીમતા આપવી જોઇએ નહીં. પ્રેમ હંમેશા મોટિવેટ કરે છે, ઉત્સાહિત રાખે છે, ખાસ ફિલ કરાવે છે, અને દુઃખમાં આપણને કિનારા સુધી લઈ જાય છે, અને ફરીથી ઉભા કરવાની ક્ષમતા રાખે છે.
અમારા એનજીઓમાં એવા સંબંધોનું પણ અમે કાઉન્સેલિંગ કર્યું છે જેમાં પ્રેમ લગ્ન કરી ચૂકેલા દંપતી, એકબીજાથી હતાશ હોય અને છેલ્લે અપેક્ષા પૂર્ણ નહીં થતા અથવા લાગણીઓ નહીં સંતોષતા છુટા થાય છે, સમાધાન કરે છે અથવા ઘણીવાર લગ્ન બહારના સંબંધો કરી લાગણી અથવા શારીરિક જરૂરિયાતોને પૂર્ણ કરે છે. સંબંધોમાં વધુ મહત્વકાંક્ષા અને નિર્ણયોમાં ઝડપ સારી નથી હોતી. હું લગ્ન બહારના સંબંધોના પક્ષમાં નથી, પરંતુ એવા કપલ પણ મેં જોયા છે, જ્યાં સ્થિતિ એટલી ખરાબ છે કે એવા સંબંધોનો વિરોધ કરવા મને યોગ્ય તર્ક મળેલ નથી. દરેક કાર્યમાં તર્ક શોધવું જરૂરી નથી, ઘણીવાર હું હૃદયનું પણ માનું છું. હું માનું છું કે જીવનમાં જે વસ્તુની ખામી રહી હોય, ત્યાં જરૂરી નથી કે એ ખામી, એ જ વસ્તુ મળવાથી પુરી થાય. મને મારા આખા જીવન પ્રેમની ઝંખના રહી, જ્યારે પણ પ્રેમ મળ્યો, એ ટક્યો નહીં.
પરંતુ, મેં મારા ખાલીપાને મારા સકારાત્મક કાર્યો, વિચારોથી ભરપૂર કર્યો, અને છેલ્લે જ્યાં બધુજ જતું રહ્યું હતું ત્યાં મારા જીવનમાં એ વ્યક્તિઓએ પ્રવેશ કર્યો, જેને મને ખાસ ફિલ કરાવ્યું. મને રાત્રે ઊંઘ આવવા લાગી. મનના ડર જતા રહ્યા. કારકિર્દીના વિકાસમાં ખૂબ જ ઝડપ મળી. બધા જ મારા વિરોધમાં હોય પણ એ મારી સાથે હોય. હું ખોટો હોવું તો પણ એ મારી સાથે હોય. એણે મને સમજાવ્યું, પ્રેમ જેવો છે એવો જ વ્યક્તિને સ્વીકારે છે, અને વ્યક્તિની ખામીઓને એ દૂર કરી, સારો માણસ બનાવે છે. મારા જીવનની એ ચાર વ્યક્તિ મારા બેસ્ટ જીવનસાથી છે, ચેરી, કિવિ (મારી દીકરીઓ), મારા માં અને મીરા (મારી ટોર્ચ, અરીસો, પ્રેરણા). (ઉપરોક્ત ફોટા જુઓ)
પ્રેમ એ લગ્નમાં જ પરિણામે એવું નથી હોતું. લગ્ન એટલે જ પ્રેમ એવું નથી હોતું. જ્યાં તમારા લગ્નમાં ઈમાનદારી, વિશ્વાસ અને પ્રેમ ના રહ્યો હોય અને તમારે નૈતિક ખોટું કરવું પડે, એવા લગ્ન અને પ્રેમને સુધારવા કરતા એના મૃત્યુ થવામાં જ સારાપણું છે. પ્રેમ, જીવનના કોઈ પણ તબક્કે તમને ભેટી શકે છે, લગ્ન તૂટવાથી, દિલ તૂટવાથી અને પ્રેમ છૂટવાથી સાચા પ્રેમની તમારા જીવનમાં પ્રવેશ કરવાની સંભાવનાઓને તમે જન્મ આપો છો.
અંતમાં, એવું હોઈ શકે કે તમે તમને પ્રેમ ના કરી શકો, અથવા યોગ્ય રીતે પ્રેમ ના કરી શકો. પરંતુ, જ્યારે તમને કોઈ પ્રેમ કરશે પછી એ કોઈ પણ રૂપમાં કેમ ના હોય, ત્યારે એ પ્રેમ તમને પૂર્ણ પ્રેમ કરવાની શક્તિ, પ્રેરણા અને ભાવના પુરી પાડશે. પ્રેમ તમારી છુપાયેલી શક્તિઓને ચરિત્રને યોગ્યતા પ્રાપ્ત કરાવે છે. પ્રેમ થઈ જાય છે, પછી જ ખબર પડે છે. પ્રેમ થાય પછી, એકબીજાના સુખદુઃખમાં એકબીજાની સાથે ઉભા રહેવાની સમજણ આપે છે. અને લાગણીઓના મૂળ ઊંડા રોપાય છે. બે વ્યક્તિઓ એકબીજાની ખોટ પુરી કરે છે, એકબીજાની જરૂરત પૂરી કરે છે, અને એકબીજાની કેર અને ચિંતા પણ કરાવે છે. બધું કુદરતી રીતે જ થાય છે, અને આપણે શીખીએ છીએ. આમ, આ જ પ્રેમ આપણને ખુદને અને બીજાને પ્રેમ કરતા પણ કરી દે છે.
આ પ્રશ્નનો જવાબ પ્રથમ વખત કર્ણવ દ્વારા ક્વોરા.કોમ (Quora.com) ઉપર લખવામાં આવ્યો હતો. કર્ણવ શાહની ક્વોરા પ્રોફાઈલ માટે અહીં ક્લિક કરો. અને ક્વોરા.કોમ ઉપર આ જવાબ વાંચવા અહીં ક્લીક કરો.